કલાકાર શું ઝંખે? કલાકારને ઝંખના હોય? કલાકારે પ્રોફેશનલ થવું કે કમર્શીયલ? પ્રશ્નો તો ઘણા પૂછી શકાય, પણ કલાકાર, સાચા કલાકારનો એક જ જવાબ હોય : કલા. કલાથી ઉપર કશું જ નહીં! કલા અવતરી છે એટલે તો કલાકાર છે. કલાકાર નિમિત્ત બની જાય છે. આંસુ વગર આંખોની શી વિસાત? મોર કળા ન કરે ત્યાં સુધી એને એના પોતાનાં પીંછાં પણ ઓરમાયા જ લાગે છે. જ્યારે કલાકારને એમ લાગે કે એનાથી સર્વશ્રષ્ઠ કંઈ નથી ત્યારે કલાને નીચાજોણું થાય છે. કલા તટસ્થ છે. એટલે જ એ એનો કલાકાર શોધીને કાયાપલટ કરી શકે છે.