આજના લીડરો, મેનેજરો, પોતાના અંગત અને કંપનીના ગોલ સર કરવા માટે ન કરવા જેવું કરવા તૈયાર, તત્પર અને સક્ષમ બનતા જાય છે
1513માં નિકોલો મેકિયાવેલી નામના ઈટાલિયન ફિલસૂફે એક કિતાબ લખી- ‘ધ પ્રિન્સ.’ આ કિતાબમાં મેકિયાવેલીએ એવું સમજાવ્યું કે જિંદગીમાં તરક્કી કરવા, પાવર મેળવવા માટે જે કંઈ કરવા જેવું, ન કરવા જેવું હોય તે કરી નાખવું. લોકોને ઉલ્લુ બનાવવા, બકરા શોધવા, પ્રતિસ્પર્ધીઓની બાદબાકી કરવા કોઈ હિચકિચાટ રાખવો નહીં. પાવર મેળવવા, વધારવા, નિખારવા માટે જે રસ્તાઓ મેકિયાવેલીએ બતાવ્યા તેમાં નીતિ, સદાચાર, સમાનતા, વ્યાજબીપણું, મૂલ્યો વગેરેને કોઈ જ સ્થાન નો’તું. એમના અડધો ડઝન પાયાના સિદ્ધાંતો ઉપર નજર નાખીએ: લાગણીવેડા કરવા નહીં. 2. વ્યવહારિક દૃષ્ટિ અપનાવવી, વેદિયાવેડાથી દૂર રહો. 3. ધારેલું, નક્કી કરેલું પરિણામ લાવવા માટે જરૂરી એવું બધું જ કરી નાખવું. 4. નમ્રતા નબળાઈની નિશાની છે. દુનિયા આક્રમકતાની આશિક છે. 5. નીતિશાસ્ત્ર, નૈતિક સિદ્ધાંતો ફક્ત કાયરો માટે છે, જેની પાસે પાવર છે તે છેતરપિંડીનો આશરો લે તો એમાં કશું જ ખોટું નથી. 6. લોકો તમારાથી ડરે એ, તમને પ્રેમ કરે એના કરતાં બહેતર છે. મેકિયાવેલિઝમનો ઈજારો ફક્ત એમની પાસે નથી