
Sign up to save your podcasts
Or


ભારતમાં વિરોધ અને આંદોલનોનો લાંબો ઇતિહાસ રહ્યો છે. આઝાદીની લડતથી લઈને નવનિર્માણ આંદોલન અને આજના વિવિધ વિરોધ પ્રદર્શનો સુધી, લોકો પોતાનો અવાજ ઉઠાવવા માટે રસ્તા પર ઊતરતા રહ્યા છે. પરંતુ શું દરેક વિરોધ પાછળ નક્કર વિચાર અને તર્ક હોય છે? વિરોધ ક્યારે જરૂરી બને છે અને ક્યારે એ માત્ર હોબાળો બનીને રહી જાય છે?
`હું બાવો અને મંગળદાસ`ના આ એપિસોડમાં વાત થઈ છે ભારતમાં થતા જુદા જુદા પ્રકારના વિરોધ પ્રદર્શનોની, તેની પાછળનાં કારણોની અને વિરોધ કરવાની બદલાતી રીતોની. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નેહરુ જેવા નેતાઓની રાજકીય સમજ અને નેતૃત્વથી લઈને જયપ્રકાશ નારાયણના આંદોલન અને ગુજરાતના નવનિર્માણ આંદોલન સુધીની ચર્ચા કરી છે યુક્ત મહેતા, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટે.
એ સમયના નેતાઓ અને આજના નેતૃત્વમાં શું ફરક છે? શું દરેક આંદોલન પરિવર્તન લાવે છે? શું વિરોધની સફળતા તેના અવાજની તીવ્રતાથી નક્કી થાય છે કે તેની પાછળના મુદ્દા અને વિચારથી? અને સૌથી અગત્યનું, લોકશાહીમાં વિરોધ કરવો જેટલો જરૂરી છે, એટલું જ જરૂરી નથી કે આપણે શા માટે વિરોધ કરી રહ્યા છીએ એ સમજવું?
ઇતિહાસ, રાજકારણ, સમાજ અને આજના સમયના વિરોધની સંસ્કૃતિ વિશેની આવી જ રસપ્રદ ચર્ચા સાંભળો `હું બાવો અને મંગળદાસ`ના આ નવા એપિસોડમાં.
આંદોલન, આક્રોશ કે માત્ર હોબાળો? લોકશાહીમાં વિરોધનું સાચું સત્ય | હું બાવો અને મંગળદાસ Watch the full video podcast live on YouTube now!
હું, બાવો અને મંગળદાસનો આ એપિસોડ ખાસ છે કારણકે ઓજસ રાવલ જેમણે અભિનય, લેખન, ડબિંગ, કૉમેડી જેવા એક કરતા વધા ક્ષેત્રોમાં કામ કર્યું છે. ડૉક્ટરી બન્યા પછી, પત્રકારત્વ પણ કર્યા પછી અને થોડું ઘણું ભારતનાટ્યમ પણ જેમણે ચાખી લીધું છે એવા ઓજસ રાવલ માટે કહેવાય છે કે તે અત્ર, તત્ર, સર્વત્ર હોય છે - પહોંચી જાય છે. તેમના ટાઇમ મેનેજમેન્ટ, શિસ્ત પાલન, લાગણીઓને જાળવવાથી માંડીને તેમની આસ્થાનું સરનામું શું છે તે પણ એમણે આ ઇન્ટરવ્યુમાં કહ્યું છે. ઓજસ રાવલ સાથે, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટે એવા વિષયો પર ચર્ચા છેડી જેમાં આંખોમાં પાણી પણ તરી આવે તો ક્યારેક પેટ પકડીને હસવું ય પડે. ઓજસ રાવલ લગ્ન કરશે ખરા જેવા સવાલોથી માંડીને તેમને થતા અગમ અનુભવો અને રાજાધીરાજ જેવા ભવ્યાતિભવ્ય પ્રોડક્શન સાથે જોડાવાની વાત પણ આ એપિસોડમાં તેમણે કરી છે. ઓજસ રાવલે પોતાની બિલીફ સિસ્ટમ, બાગાયતના શોખ અને જુની અભિનેત્રીઓ પ્રત્યેના પોતાના અહોભાવ વહેંચ્યા તો સાથે પોતાને કેવા ડેટ પર જવાનું ગમશે એ પણ કહ્યું. પોતાના ગમા - અણગમા, ખામીઓ અને ખુબીઓને ઉત્તમ રીતે પારખનારા ઓજસ રાવલ સાથેનો આ એપિસોડ સાંભળવો એક લાહવો છે.
હું, બાવો અને મંગળદાસના આ એપિસોડમાં મૈત્રી ગાલા, યુક્તા મહેતા અને ચિરંતના ભટ્ટ સોશ્યલ મીડિયા, માર્કેટિંગ, પીઆર, પત્રકારત્વ જેવા વિવિધ મુદ્દાઓ પર અનુભવ અને જેન ઝી દ્રષ્ટિકોણથી વાત કરે છે. કોને શું ગમે છે? લોકો માર્કેટિંગને કોન્ટેન્ટ સમજી લે છે? લોકોને ખબર છે કે પૉડકાસ્ટ અને ઇન્ટરવ્યુ બે સાવ જૂદી બાબતો છે? એક તરફ એક્ટર્સ સોશ્યલ મીડિયાથી પોતાના ચાહકો સાથે તરત કનેક્ટ થઈ જાય છે તો બીજી તરફ આકરા સવાલો પૂછનારા પત્રકારોને પીઆર એજન્સીના કહ્યામાં રહેવું પડે છે. મજા આવવી એક વાત છે પણ કોન્ટેટ જોઇને સમજ કેળવવી બીજી વાત છે, આ બંન્ને એકસાથે થઈ શકે તો કદાચ લોકોને મજા પણ આવે. એટેન્શન સ્પાન ઘટી રહ્યું છે ત્યારે મજા અને માહિતી વચ્ચે સંતુલન જાળવીને વાત લોકો સુધી પહોંચાડવી જરૂરી થઇ જાય છે તેવું એક તારણ આ પૉડકાસ્ટને અંતે મળે છે. તમારું આ અંગે શું માનવું છે?
મહારાષ્ટ્રમાં અને તેમાં ય ખાસ કરીને મુંબઈમાં ગણેશોત્સવનો માહોલ કંઇક અલગ જ હોય છે. વિશાળતા આ તહેવારની ઓળખ છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. હું, બાવો અને મંગળદાસના આ એપિસોડમાં યુક્તા મહેતા, ધાર્મકિ પરમાર અને ચિરંતના ભટ્ટ આ ઉત્સવ સાથે જોડાયેલી પોતાની યાદો વહેંચે છે. એટલું જ નહીં પણ સમયાંતરે આ તહેવાર જે મૂળ તો અંગ્રેજો સામે સામુદાયિક શક્તિ બતાડવા શરૂ કરાયો હતો તે આજે અંદરોઅંદર સ્પર્ધાનું કારણ બની ગયો છે ત્યારે ભક્તિનું રૂપ ઝાંખું પડે છેનો વિચાર પણ અહીં ચર્ચાયો. મોદકનો પ્રસાદ તો મીઠો પણ વીઆઇપી કલ્ચરને કારણે કલાકો લાંબી કતારોમાં ઉભા રહેનારાઓના નિસાસા કોની ભક્તિમાં અવરોધ બનશે એ પણ વિચારવું રહ્યું. આ એપિસોડમાં અમે ગણેશોત્સવના ઇતિહાસથી લઈને તેના બદલાયેલા વર્તમાન સ્વરૂપ સુધીની વાત કરીએ છીએ. સાથે જ યાદ કરીએ છીએ એ મુંબઈને, જ્યાં બાળકો માટે ગણપતિ એટલે સોસાયટીના મંડપમાં રમવું, આરતી પછી મળતો પ્રસાદ, પડોશીઓ સાથેની મસ્તી અને નજીકના ગણપતિનાં દર્શન. આજનાં મુંબઈનાં બાળકો માટે કદાચ ગણેશોત્સવની સ્મૃતિ ટ્રાફિક, લાઉડસ્પીકર, રીલ્સ, સેલિબ્રિટી મંડળો અને લાંબી દર્શન-કતારો સાથે જોડાયેલી હશે. શું દરેક પેઢી પોતાનો અલગ ગણેશોત્સવ યાદ રાખે છે? અને ઉત્સવને સતત વધુ મોટો બનાવવાની દોડમાં આપણે તેની સાદગી, આત્મીયતા અને સામૂહિકતાનો આનંદ ગુમાવી રહ્યા છીએ?
વળી ગુરુગ્રામમાં બાઈકર છોકરીનો પીછો કરીને તેને ટક્કર માનારા કાર ચાલકના વહેવારને પગલે આપણા દેશની પિતૃસત્તાક માનસિકતા પર પણ આ એપિસોડમાં ચર્ચા કરી. સ્ત્રીઓની સ્વતંત્રતા સામે પુરુષોનો અહમ નબળો પડે ત્યારે તે રોષમાં ફેરવાય છે અને પછી અંતે બદલાની ભાવનામાં પણ. આ કેટલું અયોગ્ય છે અને કેવી રીતે પુરુષોના મનમાં પળાતો સ્ત્રીઓ પ્રત્યેનો આ માલિકીભાવ બદલાઇ શકે તે અંગે પણ વાત કરી.
ભક્તિમાં શક્તિ હોય, લાગણી હોય પણ સ્પર્ધા ન હોય અને તે જ રીતે સ્ત્રીઓની ગરિમા ન જાળવીને પોતાના અહમને પોષનારા પુરુષોની સામે શક્તિ જ દેખાડવી પડશે કે શું જેવા સવાલો પર આ ચર્ચાનો અંત આવ્યો.
એક જ અવાજ ‘પિયા તૂ અબ તો આજા’ની મસ્તી પણ બની શકે અને ‘ઇન આંખોં કી મસ્તી કે’ની નજાકત પણ, આશા ભોસલેની વિશેષતા કદાચ આ જ હતી. તેમણે ગીતને માત્ર સૂર આપ્યા નહોતા; દરેક ગીતમાં એક અલગ સ્ત્રી, અલગ સ્વભાવ અને અલગ જીવન જીવ્યું હતું. ‘હું બાવો અને મંગળદાસ’ના આ એપિસોડમાં આશા ભોસલેની અસાધારણ સંગીતયાત્રાની સાથે તેમના વ્યક્તિત્વની પણ વાત કરવામાં આવી છે. અંગત જીવનમાં અનેક પડકારોનો સામનો કર્યા પછી પણ તેમણે પોતાનો અવાજ, હાસ્ય અને જીવન માટેનો ઉત્સાહ ગુમાવ્યો નહોતો. કદાચ એટલે જ તેમનો અવાજ સ્ત્રીની મુક્તિ, મસ્તી અને બિન્દાસપણાનું પ્રતિનિધિત્વ કરતો રહ્યો. યુક્તા મહેતા, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટની વાતો આશા તાઈ માટેના પ્રેમની.
એપિસોડના અંતે ચર્ચા એફિલ ટાવર સાથે જોડાયેલા તાજેતરના વિવાદ તરફ વળે છે. પોતાની ધાર્મિક આસ્થા કે અંગત માન્યતાઓને કારણે બીજા દેશના નાગરિક નિયમો અને સમાનતાના મૂલ્યોની અવગણના કરી શકાય ખરી? ચર્ચામાં સૌનો મત સ્પષ્ટ રહ્યો કે, આસ્થા વ્યક્તિગત હોઈ શકે, પરંતુ જાહેર સ્થળના નિયમો અને જે દેશમાં આપણે હોઈએ ત્યાંના નાગરિક મૂલ્યોનું સન્માન કરવું જરૂરી છે.
જન્માષ્ટમી એટલે માત્ર મધરાતે કૃષ્ણજન્મની ઉજવણી, દહીંહાંડી કે માખણચોર કાનુડાની વાત નહીં. ભારતીય જીવન, સાહિત્ય અને કળામાં કૃષ્ણ એટલી સહજતાથી વણાયેલા છે કે ક્યાંક તેઓ બાળગોપાલ છે, ક્યાંક સખા અને પ્રેમી, ક્યાંક કુશળ રાજનીતિજ્ઞ અને વ્યૂહકાર તો ક્યાંક અર્જુનને કર્મનો મર્મ સમજાવતા યોગેશ્વર. ‘હું બાવો અને મંગળદાસ’ના આ જન્માષ્ટમી વિશેષ એપિસોડમાં મિડ-ડેના CFO રાજેશ્રી બોલાઇકર, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટ કૃષ્ણ સાથેના પોતાના વ્યક્તિગત જોડાણથી વાતની શરૂઆત કરે છે. કૃષ્ણના ગમતા પ્રસંગો અને તેમનાં વિવિધ સ્વરૂપોથી આગળ વધીને ચર્ચા કૃષ્ણના સમાજ પ્રત્યેના અભિગમ, સરળ પ્રસંગો દ્વારા અપાયેલા મોટા જીવનસંદેશ અને તેમને ‘યોગેશ્વર’ તથા ‘પૂર્ણપુરુષ’ તરીકે જોવાની દૃષ્ટિ સુધી પહોંચે છે. કૃષ્ણ માત્ર ધર્મગ્રંથોમાં જ નથી. કવિતા, સંગીત, ચિત્રકળા, નૃત્ય અને લોકપરંપરામાં સદીઓથી સતત નવા સ્વરૂપે પ્રગટ થતા કૃષ્ણની પણ આ એપિસોડમાં વાત થાય છે. સાથે મહાભારતના કૃષ્ણ પણ છે જે યુદ્ધ ટાળવાનો પ્રયાસ કરતા શાંતિદૂત છે તો, જરૂર પડે ત્યારે વ્યૂહ રચતા રાજનીતિજ્ઞ અને અર્જુનને કર્તવ્યનો માર્ગ બતાવતા સારથિ પણ છે. આજે કૃષ્ણ કેટલા પ્રાસંગિક છે એની ચર્ચા પણ આ એપિસોડમાં છેડાય છે.
એક તરફ ખાંડના ભાવમાં અચાનક વધારો અને ડિલિવરી ઍપ્સ પર રૅશનિંગ, તો બીજી તરફ મુંબઈમાં રિક્ષા ડ્રાઇવરો સાથે જોડાયેલો ભાષાનો વિવાદ. શું રોજિંદી લાગતી આ બંને સમસ્યાઓ પાછળ ચૂંટણીલક્ષી રાજકારણ કામ કરી રહ્યું છે? જાણો ‘હું બાવો અને મંગળદાસ’ના આ એપિસોડમાં. એકબીજા સાથે કેવી રીતે જોડાય છે? આ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટ ખાંડના વધતા ભાવ, ડિલિવરી ઍપ્સ પર રૅશનિંગ, મુંબઈના ભાષાકીય વિવાદ અને તેની પાછળના ચૂંટણીલક્ષી રાજકારણની હળવી છતાં માહિતીપ્રદ અંદાજમાં ચર્ચા કરે છે.
વિશ્વ માતૃભાષા દિવસના સંદર્ભમાં ગુજરાતી ભાષાનું વર્તમાન અને ભવિષ્ય કેવું છે? ગુજરાતી ભાષા શા માટે ક્યારેય નહીં મરે અને નવી પેઢીને ગુજરાતી શીખવવા માટે ઘરમાં ગુજરાતી બોલવું કેમ જરૂરી છે? ‘હું બાવો અને મંગળદાસ’ના આ એપિસોડમાં ધાર્મિક પરમાર, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટે ગુજરાતી ભાષા, વાંચનની ટેવ, સાહિત્ય, કવિતા, લોકસાહિત્ય અને અનુવાદ વિશે રસપ્રદ ચર્ચા કરી છે. નવી પેઢી ગુજરાતી બોલતી, વાંચતી અને સમજતી થાય એ માટે સૌથી પ્રથમ અને અગત્યની શરૂઆત ઘરેથી થાય છે. માતા-પિતા ઘરમાં બાળકો સાથે ગુજરાતી બોલે, ગુજરાતી શબ્દોનો સહજ ઉપયોગ કરે અને ભાષાને માત્ર એક શાળાકીય વિષય ન બનાવે, તો બાળક માટે ગુજરાતી તેની જીવંત માતૃભાષા બની રહે છે.
પરંતુ માત્ર બોલવું પૂરતું છે કે વાંચવું પણ એટલું જ જરૂરી છે? વાંચનની મૂળભૂત ટેવ કેવી રીતે વિકસાવી શકાય? ગુજરાતી સાહિત્યને અઘરું કે જૂના જમાનાનું માનીને તેનાથી દૂર રહેવાને બદલે બાળકો અને યુવાનોને તેમની ઉંમર તથા રસ પ્રમાણે યોગ્ય પુસ્તકો સુધી કેવી રીતે લઈ જઈ શકાય?
ચર્ચામાં આધુનિક ગુજરાતી ભાષા અને સાહિત્યના પાયાના સર્જક નર્મદથી લઈને કનૈયાલાલ માણેકલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, રમેશ પારેખ અને સિતાંશુ યશશ્ચંદ્ર જેવા મહત્ત્વના સાહિત્યકારોનો ઉલ્લેખ થાય છે. ગુજરાતી કવિતા, નવલકથા, લોકસાહિત્ય અને લોકપ્રિય લેખન વચ્ચેના સંબંધની સાથે ‘ક્લાસિક’ સાહિત્ય અને સામાન્ય વાચકને આકર્ષતા સાહિત્ય વચ્ચે ખરેખર કોઈ અંતર હોવું જોઈએ કે નહીં, એ પ્રશ્ન પણ ચર્ચાય છે. મેઘાણીનું લોકસાહિત્ય હોય, રમેશ પારેખની કવિતા હોય કે મુનશીની ઐતિહાસિક કથાઓ, ગુજરાતી સાહિત્યની વિવિધતા દરેક પ્રકારના વાચક માટે કંઈક લઈને આવે છે. સારો વાચક બનવા માટે હંમેશાં ગંભીર કે ક્લાસિક કૃતિથી જ શરૂઆત કરવી જરૂરી નથી; વાંચનનો આનંદ જગાડે એવું કોઈપણ પુસ્તક સાચી શરૂઆત બની શકે છે.
આ એપિસોડમાં અનુવાદના મહત્ત્વની પણ ચર્ચા કરવામાં આવી છે. વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થાય અને ગુજરાતી સાહિત્યનો અન્ય ભારતીય તથા વિદેશી ભાષાઓમાં અનુવાદ થાય, તો ગુજરાતી ભાષાની પહોંચ, વાચકવર્ગ અને સાંસ્કૃતિક અસર વધુ વિસ્તરી શકે છે.
ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ માત્ર જાણીતા નેતાઓ, ઐતિહાસિક ભાષણો અને મોટી રાજકીય ઘટનાઓ પૂરતો મર્યાદિત નહોતો. તેની પાછળ અસંખ્ય સામાન્ય નાગરિકો, મહિલાઓ, આદિવાસી નેતાઓ, કારીગરો અને સ્થાનિક કાર્યકરોનું યોગદાન હતું. ગાંધીજી અને સરદાર પટેલ ઉપરાંત ઘણાં મોટા નામો આ સંગ્રામનો હિસ્સો હતા. અંગ્રેજોએ દેશનો દાટ કેવી રીતે વાળ્યો? હું બાવો અને મંગળદાસના આ એપિસોડમાં યુક્ત મહેતા, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટે એક બહુ મોટી ઐતિહાસિક ઘટનાની કેટલીક વાતોને સ્પર્શવાનો પ્રયાસ કર્યો છે.
સ્વતંત્રતા દિવસના આ વિશેષ એપિસોડમાં આપણે ભારતની આઝાદી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ અને ઘણીવાર ગેરસમજ ઊભી કરતી હકીકતોની ચર્ચા કરીશું. શું ભારતની કોઈ રાષ્ટ્રીય ભાષા છે? શું હોકી ભારતની સત્તાવાર રાષ્ટ્રીય રમત છે? ભારત 15 ઑગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયું હોવા છતાં ભારત–પાકિસ્તાનની સરહદ 17 ઑગસ્ટે કેમ જાહેર કરવામાં આવી? સિરિલ રેડક્લિફને કેટલા સમયમાં સરહદો નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી? આ સાથે આપણે મીઠુબહેન પેટિટ, ભક્તિબા દેસાઈ, દરબાર ગોપાળદાસ દેસાઈ, જુગતરામ દવે, મણિબહેન પટેલ, મોતીલાલ તેજાવત અને અબ્બાસ તૈયબજી જેવા ઓછા જાણીતા પરંતુ મહત્ત્વપૂર્ણ સ્વાતંત્ર્યસેનાનીઓને પણ યાદ કર્યા.
અંતે, ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ અને વિભાજનને વધુ ઊંડાણથી સમજવા માટે ઉપયોગી પુસ્તકોની નાનકડી યાદી પણ અહીં શૅર કરી છે તો સાથે એ ફિલ્મો પણ યાદ કરી જે જોવી અનિવાર્ય છે.આ એપિસોડ આપણને યાદ અપાવે છે કે આઝાદી માત્ર એક તારીખ કે ઉજવણી નથી—તે અસંખ્ય લોકોના સંઘર્ષ, બલિદાન, આર્થિક સ્વાવલંબન અને સામાજિક પરિવર્તનની જીવંત વારસાગાથા છે.
આપણે ફિલ્મ કે શો પસંદ કરીએ છીએ ત્યારે ખરેખર શું શોધતા હોઈએ છીએ, મનોરંજન, આરામ, રોમાંચ, ડર, nostalgia કે પોતાની જિંદગીથી થોડા સમય માટે છૂટકારો?
“હું બાવો અને મંગળદાસ”ના આ એપિસોડમાં અમે એટલે કે વિરેન છાયા, યુક્તા મહેતા અને ચિરંતના ભટ્ટ વાત કરીએ છીએ કે આજકાલ અમે શું જોઈ રહ્યા છીએ અને અમને કેવા પ્રકારની ફિલ્મો તથા શોઝ ગમે છે. ચર્ચામાં કલ્ટ ક્લાસિક્સની આગવી દુનિયાથી લઈને હોરરનો રોમાંચ, રોમકોમ્સની હળવાશ અને Off Campus, Morning Show, Type Writer જેવા શોઝ અને રામ ગોપાલ વર્મા અને રામસે બ્રધર્સની ફિલ્મોનો સમાવેશ થાય છે.
દરેક વ્યક્તિનું watchlist અલગ કેમ હોય છે? કોઈ એક જ ફિલ્મ વારંવાર કેમ જોઈ શકે છે, જ્યારે કોઈને હંમેશાં કંઈક નવું જોઈએ છે? કેટલીક ફિલ્મો રિલીઝ સમયે ખાસ સફળ ન હોવા છતાં પછીથી cult classic કેવી રીતે બને છે? અને દાયકાઓ જૂની ફિલ્મો આજે પણ નવી પેઢીને કેમ આકર્ષે છે?
આ વાતચીત માત્ર અમારી પસંદગી વિશે નથી. અમે એ પણ સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે ફિલ્મો અને શોઝ સાથે આપણી લાગણીઓ, યાદો તથા જીવનના અનુભવો કેવી રીતે જોડાય છે. રામ ગોપાલ વર્માથી માંડીને ગુલઝારનાં સર્જનો તો શાહરૂખ ખાન અને સમલાન ખાનનો કામ કરવાનો એપ્રોચ બદલાઇ રહ્યો છે, એટલું જ નહીં પણ ટેકનોલોજી, પ્લેટફોર્મ્સ અને વ્યુઇંગ હેબિટ્સ સતત બદલાય છે, પરંતુ યાદ રહી જાય તેવાં પાત્રો અને દિલને સ્પર્શતી વાર્તાઓનું મહત્ત્વ બદલાતું નથી. કારણ કે genres અને trends આવે-જાય, પણ સારું સ્ટોરી ટેલિંગ ક્યારેય આઉટ ઑફ ફેશન નથી થતું. તો તમારી comfort film કઈ છે? કઈ classic ફિલ્મ આજે પણ એટલી જ અસરકારક લાગે છે? અને તમારા watchlistમાં અત્યારે શું ચાલી રહ્યું છે? સાંભળો આ મજેદાર અને ફિલ્મી ચર્ચા, "હું બાવો અને મંગળદાસ"ના નવા એપિસોડમાં.
From the publisher's feed