
Sign up to save your podcasts
Or


ભારતને લાંબા સમયથી ‘ક્રિકેટ નેશન’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હવે દેશનું રમતગમતનું ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. ડી. ગુકેશ વિશ્વના સૌથી યુવા ચેસ વર્લ્ડ ચૅમ્પિયન બન્યા છે, જ્યારે આર. પ્રજ્ઞાનાનંદ અને અર્જુન એરિગૈસી જેવા ખેલાડીઓએ ભારતને વૈશ્વિક ચેસ શક્તિ તરીકે સ્થાપિત કર્યું છે. નીરજ ચોપડાના ટોક્યો ઑલિમ્પિક્સના ગોલ્ડ અને પૅરિસ ઑલિમ્પિક્સના સિલ્વર મેડલે ઍથ્લેટિક્સ અને જૅવલિન પ્રત્યે યુવાનોની રુચિ વધારી છે. ભારતીય પુરુષ હૉકી ટીમે સતત બે ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ જીતીને પોતાની જૂની ઓળખ ફરી મજબૂત કરી છે.
બર્મિંગહામ કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે 22 ગોલ્ડ સહિત કુલ 61 મેડલ જીત્યા હતા. આવી સફળતાઓએ ક્રિકેટ સિવાયની રમતોમાં પણ વૈશ્વિક સ્તરની અપેક્ષાઓ ઊભી કરી છે. ગલી ક્રિકેટ, ફુટબૉલ, ખો-ખો અને કબડ્ડી જેવી બાળપણની રમતો ટીમવર્ક, ફિટનેસ, નેતૃત્વ અને સ્પર્ધાત્મક ભાવના વિકસાવવામાં કેવી ભૂમિકા ભજવે છે? બીજી તરફ IPL, મોટા સ્પૉન્સર, સેલિબ્રિટી કલ્ચર અને સતત મીડિયા કવરેજને કારણે ક્રિકેટને મળતું ધ્યાન અન્ય રમતો કરતાં ઘણું વધારે કેમ છે? ખેલો ઇન્ડિયા જેવી યોજનાઓથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તાલીમની તકો વધી રહી છે, છતાં ગ્રામીણ વિસ્તારોમાં સુવિધાઓનો અભાવ, રમતો વચ્ચે અસમાન ફન્ડિંગ, ફેડરેશનનું રાજકારણ, ગુણવત્તાયુક્ત કોચિંગનો અભાવ અને ખેલાડીઓ માટે મર્યાદિત આર્થિક સુરક્ષા મોટા પડકારો છે.
આ સાથે ઑનલાઇન બેટિંગ, ગેરકાયદે સટ્ટાબજાર, મૅચ-ફિક્સિંગ, જુગારનું વ્યસન અને યુવા દર્શકો પર તેની અસર રમતની વિશ્વસનીયતા માટે ગંભીર જોખમ છે. ભારતમાં ઑનલાઇન મની ગેમ્સ, તેની જાહેરાત અને તેને લગતા નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદે અને વિદેશી પ્લૅટફૉર્મ્સનું જોખમ યથાવત્ છે. ભારત 2036 ઑલિમ્પિક્સની યજમાનીનું સ્વપ્ન જોઈ રહ્યું છે ત્યારે પ્રશ્ન એ છે, શું યોગ્ય ગ્રાસરૂટ વિકાસ, પારદર્શક વહીવટ, સમાન ફન્ડિંગ અને લાંબા ગાળાના ખેલાડી કલ્યાણ દ્વારા ભારત સાચું વૈશ્વિક સ્પોર્ટ્સ પાવરહાઉસ બની શકશે?
બે સાવ અલગ મુદ્દાઓ અને બંન્ને સાથે જોડાયેલો સાવ અલગ મિજાજ, એક છે ધુંઆધાર ડિરેક્ટરે બનાવેલી ફિલ્મ. આમ તો હૉલીવુડની ફિલ્મ છે પણ તેનું માર્કેટિંગ કરવા માટે ભારતના આંગણે ક્રિસ્ટોફર નોલાન તેની પ્રોડ્યુસર પત્ની અને લીડ એક્ટર્સ મેટ ડિમન અને ટોમ હોલેન્ડ સાથે પધાર્યા હતા. ફિલ્મનું મૂળ છે હોમરનું મહાકાવ્ય, સાથે કેટકેટલીય વાયકાઓ. આજના એપિસોડમાં ધી ઑડિસી જોયા પછી શું લાગ્યું, કેવી વાર્તા અને કેમ નોલાન ઉત્તમ છે એવાં ટોળટપ્પાં કરે છે વિરેન છાયા, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટ. આપણા દેશમાં આંદોલનનો વાયરો ફૂંકાયો છે, સોશ્યલ મીડિયા પર પર પ્રો અને એન્ટી કોન્ટેન્ટ સતત ઉભરાય છે. આ માહોલમાં ખરો મુદ્દો નેવે મૂકાઈ જાય છે ત્યારે શું થવું જોઇએ અને શું થઈ શકેની વાત કેટલીક આશા અને કેટલાક નિસાસા સાથે કરવાનો પ્રયાસ પણ આ એપિસોડમાં અમારી ટીમે કર્યો છે. CJP, દિલ્હી, જંતરમંતર અને કોહવાઇ ગયેલી શિક્ષણ વ્યવસ્થા એવી બાબતો છે જેનો શોર જલ્દી શમવાનો નથી.
તુકારામ મુંઢે એક એવા અધિકારી છે જેમણે મુંબઈમાં ખાણી-પીણીમાં થતી ભેળસેળ અને ગંદકી સામે જંગ છેડ્યો છે. સ્ટ્રીટ ફૂડના રસિયાઓને તો આ કામ ગમી રહ્યું છે પણ વિક્રેતાઓના બાર વાગી ગયા છે. લોકો તેમની મુલાકાતની વાત સાંભળીને પણ પોતાની લારી કે આઉટલેટ્સ બંધ રાખે છે. આજે શાકભાજીમાં વપારાતા પેસ્ટી સાઇડ્ઝથી માંડીને માત્ર લારીઓ નહીં પણ મોટી મોટી રેસ્ટરન્ટ્સમા ચોખ્ખાઈને મામલે થતું સમાધાન ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હું બાવો અને મંગળદાસના આ એપિસોડમાં શિલ્પા ભાનુશાળી, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટ આ મુદ્દે વાત કરે છે. સ્વાદને મામલે સંયમ રાખવો કે પછી જોખમ લેવું યોગ્ય છે? મટન ટેલો, પામ ઓઇલ, જુના તેલનો એકથી વધુ વાર ઉપયોગ જેવા ઘણાં પ્રશ્નો છે ત્યારે આપણે માત્ર ઘરનું જ ખાવું એવા નિયમો રાખવા જોઇએ કે પછી સાફ પ્લેટ જોઇને વિશ્વાસ કરવાનું જોખમ લેવું? ગુણવત્તાના ધારાધોરણોને મામલે સવાલોના બાણથી કોઈપણ મોટી બ્રાન્ડ બચતી નથી, આઇસક્રીમ, પનીર, દૂધ કે ઢોસા સાથે પીરસાતી ચટણીઓમાં હાઇજીનની તકેદારી રાખનારી બ્રાન્ડ્ઝ પારખી લેવી સહેલી નથી પણ એ પણ સત્ય છે કે સોશ્યલ મીડિયા પર કોઇ બ્રાન્ડ વિશે ચર્ચા થાય એટલે એ ચોખ્ખી જ હોય એવું પણ જરૂરી નથી. ચોખ્ખાઈ તો એ ધારા-ધોરણમાં છે જેનો કોઈ શો-ઑફ નથી હોતો ત્યારે આત્સ સંયમ અને જાત તપાસ પર વિશ્વાસ રાખીને સ્વાદની ઇચ્છાઓને પુરી કરવાની પહેલ કરવી જ કદાચ પહેલું પગલું હોઇ શકે. જેનું લાયસન્સ રદ થાય છે તે આઉટલેટ ફરી લાયસન્ય મેળવશે પણ તેઓ ફરી ગુણવત્તા નહીં જ બગાડે એવી કોઇ ગેરંટી નથી હોતી તેવું કડવું સત્ય આપણે ગળે ઉતરાવું જ રહ્યું.
ભારતમાં સૌથી મોટા ધાર્મિક તહેવારો ચોમાસામાં જ કેમ આવે છે? શું તેનું કારણ માત્ર ધાર્મિક માન્યતાઓ છે કે પછી કૃષિ, ઋતુચક્ર અને માનવજીવન સાથે જોડાયેલું ઊંડું વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક આયોજન? આ એપિસોડમાં રથયાત્રા, પંઢરપુરની વારી, શ્રાવણ, હિંડોળા ઉત્સવ, જન્માષ્ટમી અને ચાતુર્માસ જેવી પરંપરાઓ પાછળનો રસપ્રદ ઇતિહાસ, પ્રતીકો અને જીવનદર્શન સમજવાનો પ્રયાસ કર્યો છે. આ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટ વાતો કરે છે તહેવારો, લાગણીઓ, મોસમ સાથે આવતા બદલાવ અને આધ્યાત્મ સાથે જોડતા આ જાહેર તહેરવારો અંગે. તમને કયો વરસાદી માહોલમાં આવતો કયો તહેવાર સૌથી વધારે ગમે છે?
છેલ્લા એક અઠવાડિયામાં આપણે સિયા, કેતન અને ચેતનના નામોથી વાકેફ થયાં. આપણને નવાઈ લાગી કે વીસ વર્ષની એક છોકરીએ પોતાના માતા-પિતાની સાથે વાત કરવાને બદલે હત્યા કરવાનું પસંદ કર્યું. સમાજનું દબાણ આટલું કેમ? લગ્ન લેવડ-દેવડ કેમ? મુંબઈમાં છેલ્લા એક વર્ષમાં ક્રાઇમ રેટ કેટલો વધ્યો? ટ્રેનમાં દરવાજો ખોલ-બંધ કરવાની બાબતે કોઈ છરી કાઢીને હત્યા કરવાની હદે કેવી રીતે પહોંચી શકે? મુંબઈ પોલીસની કામગીરી ઉત્તમ છે પણ લોકોના મનમાં આટલો બધો રોષ કઈ વાતનો છે? મોંઘવારી, બેરોજગારી, ભીડ, સંકડાશ આ બધું મનોસ્થિતિ પર કેટલી અસર કરે છે? શું આપણને લોકો સાથે વાત કરવાની આદત છૂટી ગઈ છે? હું, બાવો અને મંગળદાસના આ એપિસોડમાં વરસાદી મુંબઈમાં ચિરંતના ભટ્ટ, મીત પંચાલ અને શિલ્પા ભાનુશાળી વાત કરે છે બદલાઇ રહેલી સામાજિક સ્થિતિ પર. કોઇ નિષ્કર્શ ન મળે એમ બને પણ કદાચ કોઈ રાહ ચિંધ્યાનો ફાયદો થાય એમ પણ થઇ શકે છે. લોકોએ વાત શરૂ કરવાની જરૂર છે, ફોનની સ્ક્રીન્સમાંથી દરેક બાબતના જવાબ મળે એવું જરૂરી નથી અને માટે જ સંવાદ અને સંવાદિતાની અનિવાર્યતા વિશે અમે આ એપિસોડમાં જરા ભાર મૂક્યો છે.
મુંબઈનો વરસાદ લોકો માટે કોઈ અચરજ સમાન છે. ગુજરાતનો વરસાદ રાહ જોવડાવે એવો છે. ચોમાસામાં મુંબઈ તો ચંદ્ર જેવું થઈ જાય કારણકે ખાડામાં ભરાયેલું પાણી તેનો દેખાવ બદલી દે. વરસાદને મામલે દરેકની પોતાની યાદો હોય છે, પોતાનું વ્હાલ હોય છે અને ક્યારેક પોતાનો ગુસ્સો પણ. હું, બાવો અને મંગળદાસના આ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટ વાત કરે છે વરસાદી ગીતોની, પર્યાવરણમાં કઈ બાબતો વરસાદની ગુણવત્તા પર અસર કરે છે અને કેમ આપણા ખેતી પ્રધાન દેશમાં વરસાદ પરનો આધાર એક નસીબ આડેનું પાંદડું ખસેડનારો અથવા નસીબ ડુબાડનારો સાબિત થઇ જાય છે. કોઈને વરસાદમાં અગાસી યાદ આવે છે તો કોઈને યાદ આવે છે મકાઈનો ભુટ્ટો. તમને જાણવા મળશે કે કોણ કેટલું ભીંજાયું અને કોને કોણ યાદ આવ્યું.
પ્રણિત મોરેનો કૉમેડી શો બંધ થવો જોઈએ કે પછી ભારતના પુરુષોએ સ્ત્રીઓને જોવાનો દ્રષ્ટિકોણ બદલવો જોઇએ. છોકરીઓને સતત છેડતીનો ડર કેમ હોય છે? સમસ્યા સમાજમાં છે, તંત્રમાં છે કે પછી મુદ્દો કંઇ અલગ જ છે. આ જે આજે ચાલે છે તે વર્ષો વર્ષ ચાલતું આવ્યું છે, ક્યાંક શાલીનતાનો અભાવ છે તો ક્યાંક એક્સપોઝર જ નથી. ચિરંતના ભટ્ટ, યુક્ત મહેતા અને મીત પંચાલ હું બાવો અને મંગળદાસના આ એપિસોડમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરે છે. સાથે એ પણ ઉલ્લેખ થાય છે કે ટેલિગ્રામ પરનો પ્રતિબંધ કેટલો તાર્કિક છે, એનાથી શું ફેર પડશે? કેટલીક આપવીતી પણ સાંભળવા મળશે તો સાથે નીટની પરીક્ષાની તૈયારી કરનારાઓની મનોસ્થિતિ પણ જાણવા મળશે.
જૂન મહિનાને પ્રાઇડ મંથ તરીકે કેમ ઉજવવામાં આવે છે એ જાણવું જરૂરી છે. LGBTQIA+નું સ્પેક્ટ્રમ એટલે કે આયામ વિશાળ છે અને ગુંચવે એવું છે પણ લાગણીભીના આ બિંધાસ્ત લોકોને હાંસિયામાં નાખવા કરતા તેમને જાણવાની મજા અલગ છે. વિનય અરોટે જે આજના પૉડકાસ્ટમાં જોડાયા છે તે પોતાની જાતને નર કે માદા કોઇપણ જાતિ સાથે સંલગ્ન નથી માનતા. આવું હોઇ શકે? તેમને મીત અને ચિરંતના પૂછ્યા કેટલાક સીધા સવાલ, સાથે પોતાના અવલોકનો પણ વહેંચ્યા. ગુજરાતના રજવાડાના સજાતીય રાજકુમારની વાર્તા પણ તમને અહીં જ સાંભળવા મળવાની છે. સ્વતંત્રતા અને પ્રેમની વ્યાખ્યાઓમાં મેઘધનુષના રંગ ભરનારા સજાતીય સમુદાયને લગતી માન્યતાઓ, ગેર માન્યતાઓ અને એવું ઘણું ય આજના આ પૉડકાસ્ટનો હિસ્સો છે.
ઈંધણના આસમાને આંબતા ભાવ, ખાલીખમ નળ અને સતત વધતું તાપમાન—સામાન્ય નાગરિક પર આર્થિક અને માનસિક બોજ ક્યારેય આટલો અસહ્ય નથી રહ્યો.
ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ` ના આ ખાસ એપિસોડમાં, ન્યૂઝરૂમમાંથી યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયા આપણી આસપાસ દિનપ્રતિદિન વધી રહેલી આર્થિક અને પર્યાવરણીય કટોકટીનું એક વિગતવાર અને સચોટ વિશ્લેષણ કરશે.
અમે પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવો પર ઊંડી ચર્ચા કરીશું, જે મધ્યમવર્ગીય પરિવારોના ઘરના બજેટને સંપૂર્ણપણે વેરવિખેર કરી રહ્યા છે. સાથે જ, વિવિધ ક્ષેત્રોમાં પગાર ન વધવાની કડવી વાસ્તવિકતા વિશે પણ વાત કરીશું. જ્યારે આવક સ્થિર છે, ત્યારે રોજબરોજનો ખર્ચ કેમ આટલો ઝડપથી વધી રહ્યો છે?
ત્યારબાદ, આપણું ધ્યાન શહેરોની બે ગંભીર કટોકટી તરફ દોરીશું:
ગેરકાયદેસર દબાણો દૂર થાય તો એ સારું કહેવાય કે ખોટું? પણ રેલ્વેએ હજાર વાર સૂચના આપ્યા છતાં બાન્દ્રા ઇસ્ટમાં રહેનારાઓએ રેલ્વેની જગ્યા ખાલી ન કરી તે બરાબર કહેવાય? રાજકારણમાં નાટક કરવા કેટલા જરૂરી છે? એને નાટક ન કહેવાય દોસ્ત, વાયરલ નેતા એટલે એની પૉપ્યુલારિટી પણ મોટી. કોક્રોચ જનતા પાર્ટી, આર્મચેર એક્ટિવિઝમ, બદલાયેલા સમયમાં પત્રકારત્વમાં આવતા પડકારો અને એવી કેટલીક વાતો ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં, ન્યૂઝરૂમમાંથી ચિરંતના ભટ્ટ, મીત પંચાલ અને હેત્વી કારિયા છેડશે.
આ સંવાદમાં કેટલીક હળવી ક્ષણો છે તો કેટલાક ગંભીર મુદ્દા પણ છે.
લોકોને બેઘર કરવા જોઇએ? આપણા દેશમાં બાંગ્લાદેશીઓ ઘુસ્યા હોય તો આપણે શું કરવાનું?
વાયરલ ટ્રેન્ડને ગંભીરતાથી લેવા જોઇએ જેવી વાતો પર અલગ અલગ જનરેશનના અવાજો સાંભળવા હોય તો સાંભળો આ એપિસોડ.
From the publisher's feed